શાળાગીત

ન અલમ અદા, ઈતિ નાલંદા…

નાલંદા ગુરુકુળ અમારું, અમને વહાલું અમને પ્યારું,

સરસ્વતીનું ધામ અમારું, શિક્ષણ અહીંનું સૌથી ન્યારું,

ન અલમ અદા, ઈતિ નાલંદા…

ભાર વિનાનું ભણતર સાથે કરતું જીવન ઘડતર,
બુનિયાદી આદર્શો રચતું સંસ્કારોનું ચણતર,
ન અલમ અદા, ઈતિ નાલંદા…
સાચું શિક્ષણ, સારું શિક્ષણ, મુક્ત વિચારોનું અમ શિક્ષણ,
મુક્ત ગગનનાં પંખી જેવું, મુક્ત અમારું અભિનવ શિક્ષણ,
ન અલમ અદા, ઈતિ નાલંદા…
ધર્મ, કર્મ અને શ્રમની સાથે કરતું સંસ્કૃતિ સિંચન,
બીજ થકી સંવર્ધન પામી કરતું વટવૃક્ષોનું સર્જન,
ન અલમ અદા, ઈતિ નાલંદા..

બાળકનું ભવિષ્ય હવે એટલું મહત્વનું બની ગયું છે કે બાળક ના વર્તમાન ને ભૂલી જવામાં આવે છે, જે બાળક, સમાજ અને રાષ્ટ્ર માટે હિતકર નથી

અમે આપના બાળકોને શું શીખવશું?

( અબ્રાહમ લિંકન ના પત્રમાંથી )

આત્મીય સ્વજન શ્રી,

શિક્ષણ શાસ્ત્રી યશપાલજીના “ભાર વિનાનું ભણતર” સાથે એક નવું વિચારબીજ લઈને – પ્રદૂષણ મુક્ત શાળા અમે રચી છે.

આ નવું વિચારબીજ એટલે ભાર વિનાના ભણતર’ સાથે ‘બાળપણ સાચવતું ભણતર’.

બાળકની કલ્પનાની શાળા, બાળકની કલ્પનાઓને ઉજાગર કરવા મથતું શિક્ષણ.

દીવાલો વગરની શાળાનું સ્વપ્ન, મુક્ત આકાશ નીચે હસતાં-રમતાં વાતો કરતા અપાતું શિક્ષણ. બાળકોને સમજાય તેવી ભાષા, બાળકોને સમજાય તેવાં સાધનોથી અપાતું શિક્ષણ, પુસ્તકથી ઠલવાતી માહિતી નહીં પરંતુ વાત વાતમાં સહજ રીતે અપાતું શિક્ષણ. બાળકોને એમના કલ્પનાલોકમાં વિહરતા રાખી અપાતું શિક્ષણ. કઈક આવી વિચારધારાને કેન્દ્રમાં રાખી શાળાને ધબકતી કરવાનો અમારો પ્રયાસ છે.

પ્રદૂષણ મુક્ત શાળાનું વાતાવરણ ઉપરાંત અહીં વર્ગખંડનું બંધિયાર વાતાવરણ નથી, પુસ્તકોનો ભાર નથી, દફતરની કડાકૂટ નથી. સ્વચ્છ નિર્મળ પર્યાવરણની વચ્ચે પ્રકૃતિના સાન્નિધ્યે પ્રાચીન ગુરુકુળના પરિવેશમાં જ બાળક પોતાના બાળપણના આનંદ સાથે સહજ રીતે ચેતોવિસ્તાર સાધે, એ અમારી કલ્પનાની શિક્ષણ વ્યવસ્થા છે. એ માટે અમે કલ્પનાશીલ શિક્ષણ પ્રવૃત્તિઓ પ્રયોજી છે.

શાળાનું ભવ્ય મકાન અમારું સ્વપ્ન નથી. પોપટની જેમ રટરટ કરતાં યાંત્રિક બાળકો અમારું સર્જન નથી. પરીક્ષાના ડરથી આત્મહત્યા કરવા પ્રેરાતા ડરપોક વિદ્યાર્થી અમારે ઘડવા નથી. બોર્ડના દસમાં સ્થાન મેળવી જિંદગીમાં પાછો પડતો વિદ્યાર્થી અમારું ધ્યેય નથી. આ શાળામાં પ્રવેશ મેળવવા કતારો લાગે તેવી અમારી ઝંખના નથી. અમારે “સ્વનિર્ભર” માનવી શાળામાંથી ઊભો કરવો છે. ગમે તેવા સંકટો સાથે પાર પાડે તેવો વિદ્યાર્થી ઘડવો છે. પોતાની કલ્પનાનું જીવન ઘડી શકે તેવો પુરુષાર્થી અમારે ઉભો કરવો છે. માત્ર વિધા સંપન્ન નહીં – ચારિત્ર્ય સંપન્ન નાગરિક સમાજ અમારે ઉભો કરવો છે. અમારા પુરુષાર્થયજ્ઞમાં આપનો સહયોગ મળશે એવી શ્રદ્ધા જાગે છે.

આપ અમારી વિચારધારાને વેગ આપશો તેવો દ્રઢ વિશ્વાસ છે. અમારા પુરુષાર્થયજ્ઞમાં યત્કિંચિત આહુતિની અપેક્ષા અને આભાર સાથે, વધુ જાણવા અમારો સંપર્ક કરો.

-શ્રી નાલંદા ગુરુકુળ વિદ્યાલય પરિવાર

બાળક પોતાનું જ્ઞાન પોતે શોધે...

સ્વઅધ્યયનથી બાળક બને આત્મનિર્ભર શીખનાર! કેવી રીતે? જાણવા માટે આગળ વધો.